Monday, August 16, 2021

શેષ રાવ પીરાજી ધાંડે ની કવિતા

નવા વાસ માટે

પ્રિયે
મારા પૂર્વજોએ વાવ્યું હતું પ્રકાશનું વૃક્ષ
એનાં ફળ મને ચાખવા દીધાં નહિ કદી
તિજોરીમાં કેદ કરવામાં આવ્યાં પ્રકાશકિરણ
વર્ષમાં પાથર્યો અંધકાર
ને તારો બાપ નીકળ્યો મારી પેઢીઓ બરબાદ કરવા.
પણ એ એટલો તો ઊંચો નથી કે
મહાસૂર્યને બગલમાં સંતાડી શકે.
આવ, મારી નિકટ આવ,તું ને હું નવો સંસાર શરૂ કરીએ
જો મારા વાસ પર ઊગી રહ્યો છે
સૂર્ય.


તટસ્થ

પ્રિયે
તું મારી પાસે આવી
ને મારી સ્વપ્નભાષા બોલવા લાગી
વાસમાં હવે સૂર્ય પ્રવેશ્યો
હવે કોઈ ગાફેલ નથી રહ્યું.
બીજાઓની જિંદગી સાથે ખેલવું
શબ્દકોયડા જેટલું સહેલું નથી
ને નથી 
સપનાં વેચી દેવાં
એ મારો સ્વભાવ.


તફાવત

તું ડિગ્રીઓ લેતી રહી
લગ્નને હજુ વાર છે એટલે.
હું રોજીરોટીના સવાલનો હલ કરવા
અનુભવ માટે
જીવનનો સંદર્ભ જાણવા
મનુષ્ય હોવાના ધરાતલ પર
મનુષ્યના પ્રશ્ન હલ કરવાની જીદ પર મક્કમ રહ્યો
તું મારી ગરીબીની મજાક ઉડાવતી રહી
ને હું શોધતો રહ્યો ગરીબી દૂર કરવાના ઉપાય
તારી મારી વચ્ચેની તિરાડ
મોટી ને મોટી થઇ રહી છે..
અક્ષર સાથે સંબંધ જોડી દેતા અક્ષરસૂર્ય કાજે
જીવન સમરપી. દીધું
પરંતુ શું મળ્યું એનું ફળ?

સમાજસેવા

પ્રિયે,
રિટાયર થયા પછી સવાર સાંજ
કૂતરાને બહાર ફરવા લઇ જવો
એ છે તારા નવરા બાપનું કામ.
કૂતરાને ફરવા લઈ જવો 
એને જ એ માને છે એ સમાજસેવા.

તારો બાપ કહેતો હતો કે
'એક કૂતરાનું માસિક ખર્ચ છ હજાર રૂપિયા'.
મારા પગારનો હિસાબ કરું છું,
કૂતરાના ખર્ચથી ફક્ત બે હજાર રૂપિયા વધારે.
એમાં અમારૂં  ત્રણ જણનું ગાડું ગબડે છે.

તારા બાપની નોકરી ચાલુ હતી ત્યારે
પગાર ઉપરનું કમાઈ લેતો .
પાન ગલ્લાનાં પાનથી માંડી ને ખાવાપીવાનું સુદ્ધા
બહારથી જ ચાલતું બધું.

હવે કૂતરાને સવાર સાંજ ફરવા લઇ જવું
એ જ છે એની સમાજસેવા.


शेषराव_पिराजी_धांडे
જન્મ 1 જાન્યુઆરી,1970. વ્યવસાયે શિક્ષક.ચાર કવિતાસંગ્રહ .
विद्रोही,1994
रस्ता सोडून चालला कुठे..2009
आमचा आलेख कोराच..!
बिघडलेले होकायंत्र

काव्य संग्रह  : 'आमचा आलेख कोरा' से साभार

#મરાઠી દલિત કવિતા ગુજરાતી અનુવાદ
નરેન્દ્ર પાટીલ 
અનુવાદ: ડૉ. જી.કે.વણકર

ઉચ્છશ્વાસ

માત્ર ઉચ્છશ્વાસ.

સંજોગોએ 
મારા મનના 
બળબળતા વિચારો
પર કેસ ઠોકી દીધો છે

એમણે બળબળતાં મનને
કેદ કરી દીધાં છે.

સ્વપ્નોના બગીચાને
તાળાં મારી દીધાં છે. 

પણ આ પંખી
કેટલું રહેવાનું આ અંધારકોટડીમાં
જેની દીવાલો થરથરે છે
એના એક એક ઉચ્છશ્વાસે .

કોકટેલ

જૂથબંધીનું રાજકારણ જોઈ
હવે અમે બહુ થાકી ગયા છીએ.
અંતે મેં બધાં આંદોલનોને
ગ્લાસમાં નાખીને
ઘૂંટે ઘૂંટે ગળે ઉતારી દીધાં.
હવે એક જ ડર છે
ક્યાંક કોકટેલ ન થઈ જાય.

લડાઈ

રસ્તા હતા. આગળ ને આગળ વધનારા.
અમે ચાલતા રહ્યા રસ્તાઓ પર.
સાથીઓ બદલતા રહયા માર્ગ
પોતપોતાના.
કોઈ બાંધછોડ કર્યા વગર
રસ્તે ચાલવાનું ચાલુ જ રહ્યું.
ચાર રસ્તે પહોંચી  
અમે ચાલવા લાગ્યા ચાર રસ્તાઓ પર.
અમે કમજોર થતા ગયા.


કાર્યકર્તાની પત્ની

ઘેર પગ મૂકતાં જ 
જરૂરી ચીજો ઉધાર લાવીને
પત્ની કરે છે સ્વાગત. 
નાનાં બાળકો જુએ છે આશાથી.
ઘરમાં નથી વઘાર કરવા તેલ,
ચા માટે ખાંડ,
ને નથી સ્ટવમાં ઘાસલેટ.
એટલામાં આવી પહોંચે છે 
પાંચ સાત કાર્યકર્તા.
કરે છે મોરચા પર ચર્ચા.
કોઈએ પીધો છે દેસી તો કોઈએ મહુડાનો.
આખું ઘર ભરાઈ જાય છે એની ગંધથી.
કોઈ જઈને લઈ આવે છે કિલો ખાંડ.
ઘાસલેટ આવી ગયા બાદ પત્ની સ્ટવ સળગાવે છે.
ચા લાવે છે સરળ સહજ
એટલામાં પોતાના પક્ષની ચર્ચામાં ઉભરો આવી જાય છે .
એ ફક્ત ઉમેદ લગાવી જોઈ રહે છે વાટ
ઘરની ગરીબી દૂર થાય એની.
એને નથી કોઈ લેવાદેવા આંદોલન સાથે.
તોય તે એ લાગી રહે છે એમ જ 
આંદોલનમાં ફાળો સમજીને. 
કાર્યકર્તાની પત્ની ખરીને!

અસાવધ

ઉગનારો પ્રત્યેક દિવસ
લઈને આવે છે સમસ્યા.
પેટનો પ્રશ્ન ઉકેલું છું 
ત્યાં આવી ચડે છે 
જાતિવાદી હુમલો.
બાળે છે ઘર
મારે છે બૈરાં છોકરાંને.
હું સલામત છું
એની કોઈ ગેરંટી નથી.
તો પછી ઊંઘ કેમની આવી જાય છે
ખબર પડતી નથી.

No comments:

Post a Comment