Wednesday, January 7, 2015

મા,પહેલી લડાઈ આપણી જ:વાહરુ સોનવણે






મા, તું ક્યા લાગી મારો પક્ષ લેતી રહીશ?
બાપ ગાળો દેતો, તું જીવ પાથરતી,
સંબંધ તોડી નાખ  મા, સંબધ તોડી નાખ.
પોલીસ મને મારી નાખશે એ વાતે ડરે છેને ?
મને બંદૂકથી જ મારી નાખશે એવું નથી.
જીવ લેનારાં તો ચારે બાજુ  છે.
અંદર-બહાર,સગાં વહાલાં ,માબાપ,
બધાં એક ટાટનાં છે.
જ્યારે કોઈ એવું બોલે છે ત્યારે
મને એ જીવ લેનારાં જ લાગે છે.
મોતની બીકે ક્યાં લગી સંતાતો ફરું?
આ દુનિયા સારી નથી.
જીવું ત્યાં લગી
માનવતાની  લડાઈ લડવાની છે.
આટલી બધી બીક લાગે છે તો પછી મને જનમ  કેમ દીધો?
મને તારી કૂખમાં જ કેમ ન રાખ્યો પાળીપોષી?
આ દુનિયા સારી નથી.
તારી આંખમાં પાણી, મારી આંખમાં ય પાણી.
તારો જીવ દુઃખી, મારો જીવ પણ દુઃખી.
તારો જીવ મને ઘરની અંદર ખેંચે છે,
મારો જીવ મને બહાર ખેંચે છે.
મા, પહેલી લડાઈ આપણી જ.

ધાક: વાહરુ સોનવણે
















હું વાંસળી વગાડું છું ને એમને ધાક લાગે છે
હું ઢોલ વગાડું છું, હાથમાં હાથ લઇ નાચું છું,
ગીત ગાઉં છું ,એમને ધાક લાગે છે
હું લખું છું, દુનિયામાં ફરું છું
એમને ધાક લાગે છે
મારું જીવું છું એ ય એમને નથી ગમતું.
હું એમને કશું કહેતો નથી.
હું ફક્ત એટલું જ કહું છું-
“તમારા રાજમાં હું હસી શક્તો ય નથી
ને રડી શક્તો ય નથી.”

ગોદડી :વાહરુ સોનવણે

























મારી ફાટીતૂટી  ગોદડી
મેલીઘેલી...
ગોદડીમા જ
ગૂંગળાતો રહ્યો શ્વાસ
ખારી ગંધથી
નાક સંકોરી
પડખાં બદલતો રહ્યો.
ગોદડીમાં નાક ઘાલી
ખારી ગંધ સૂંઘતો રહ્યો.
આ જ ગોદડીમાં
પૂર્વજો હોલવાતા ગયા
ગોદડી આંસુઓથી તર થતી રહી.
અને..
ખારી ગંધ યાદ અપાવતી રહી
પૂર્વજોનાં દુઃખોની
આજના વારસદારોને
મારી ફાટીતૂટી
મેલીઘેલી ગોદડી....!

Monday, December 1, 2014

ગુફાઓ: જ્યોતિ લાંજેવાર

 





















એમના અમાનવીય અત્યાચારોએ 
કોતરી કાઢી છે ગુફાઓ 
મારા હૃદયના ખડક પર .
મારે આ જંગલ  થાકેલા પગે  ખૂંદવું પડશે.
નજર ખોડી રાખવી પડશે બદલાતા સમય  પર .
હવે ઉપરતળે થઇ રહ્યું છે બધું.
વિદ્રોહ ભડકી રહ્યા છે  અહીંતહીં.
આટલા વરસ હું ચૂપ રહી છું  સાચુંખોટું સાંભળતી.
પરંતુ હવે મારે માનવાધિકારની જ્વાળાઓને  હવા દેવી પડશે .
આપણે અહીં કેવીરીતે આવી પહોંચ્યા 
જે ભૂમિ ક્યારેય ન થઇ આપણી માતૃભૂમિ
જેણે આપણને આપી નથી  જિંદગી 
કૂતરાં-બિલાડાંની પણ.
હું એમનાં અક્ષમ્ય પાપોની સાક્ષીએ  થઇ જાઉં છું 
અબઘડી  વિદ્રોહી.

Friday, November 28, 2014

સ્ટેજ: વાહરુ સોનવણે



















હું સ્ટેજ પર ગયો જ નથી.
ને કોઈએ મને બોલાવ્યો પણ  નથી
આંગળીને ઇશારે એ  મને મારી પાયરી બતાવી દે છે
હું ત્યાં જ બેસું છું તો મને શાબાશી મળે છે
ને એ  સ્ટેજ પર ઊભા  રહીને મારાં દુઃખ સંભળાવે છે
મારાં દુઃખ મારા સુધી સીમિત રહ્યાં, ક્યારેય એ એમનાં ન થયા
મારી શંકા, મારી ઘુસપુસ એ કાન સરવા કરીને સાંભળે છે
ને શ્વાસ લઈને મારો જ કાન પકડીને ધમકી આપે છે
‘માફી માગ, નહીંતર..’.

વાહરુ સોનવણે (જન્મ ૧૯૫૦)
આદિવાસી કર્મશીલ અને કવિ. શહાદા મહારાષ્ટ્ર ખાતે શ્રમિક સંઘટના સાથે સંકળાયેલા છે આદિવાસી આંદોલનો સાથે જોડાયેલા છે. ‘ગોધડ; એમનો પ્રથમ કવિતા સંગ્રહ જેમાં ૩૮ મરાઠી અને ૧૬ ભીલોરી બોલીની કવિતાઓ છે. બીજો કાવ્ય સંગ્રહ રોડાલી તાજેતરમાં પ્રકાશિત.એમની કવિતા વ્યંગ્યાત્મક , આદિવાસી શબ્દો અને રૂઢીપ્રયોગો સભર હોય છે.
તાજેતરમાં જીવનગૌરવ સન્માન , આદિવાર્તા વિશેષ અંક વાહરુ સોનવણે પર.
અખિલ ભારતીય આદિવાસી લેખક મંડળના સેક્રેટરી.