સખી, આજે તું આવી પહેલી વાર મારે ઘેર જમવા.
તું આવી, તું આવી ભૂલીને તારી જાતિ.
સ્ત્રીઓ સામાન્ય રીતે ભૂલતી નથી અસમાનતાની પરંપરા.
પણ તું આવી મારા ગજવા જેટલા નાના ઘરમાં
આકાશ જેવડું વિશાળ મન લઈ.
મને હતું કે તેં કાપી નાખી છે જાતિ ની સઘળી બાબતો
ને ઓળંગી દીધી છે આપણને અલગ કરતી ખાઈ.
સાચે જ સખી, હું ખૂબ જ હતી ખુશ.
શબરીની જેમ મેં તારી થાળી સજાવી હતી.
તેં થાળી જોઈ ને તારો ચહેરો બદલાઈ ગયો.
અરે, ચટણી કોથમીર આમ પીરસાય?
હજી આવડ્યું નહિ તમને પીરસતાં.
સાચે જ તમે લોકો નહીં સુધરવાનાં.
હું શરમાઈ, ખરેખર શરમાઈ.
મારો હાથ જે આકાશે અડતો હતો, હેઠો પડ્યો.
હું ચૂપ રહી.
જમવાનું પુરૂં થયું ને તેં પૂછ્યું,
આ શું? છેલ્લી ભાત પછી તમે છાશ કે દહીં નથી આપતાં?
અમારે તો એના વિના ચાલે જ નહીં.
મારી હિંમત ઓસરી ગઈ, ખરી પડતા તારાની જેમ.
હું ઉદાસ.સૂનમૂન.
પરંતુ બીજી જ પળે જીવંત થઈ ઉઠી.
પાણીમાં પથ્થર નાખીએ તો તળિયાની ચીજો ખળભળી ઉઠે છે
એમ મારી સ્મૃતિઓ મારા મનમાં.
સખી, તું માંગે છે છાશ ને દહીં.
તને શું કહું?
બાળપણમાં દહીં કે છાશ તો શું
ચા બનાવવા દૂધ પણ દોહ્યલું હતું.
મા લાટીમાંથી લાવેલ ભૂસું સળગાવી
ધૂમાડે આંખો ચોળતી.
ક્યારેક જ અમને મળતી લસણની ચટણી
નહીં તો અમે પાણીમાં જ બોળીને ખાતાં લૂખો રોટલો.
પ્રિય સખી, શ્રીખંડ તો અમારા શબ્દકોશમાં પણ નહોતો.
મારા નાકે કદી આવી નહોતી ઘીની સોડમ.
મારી જીભે કદી ચાખ્યાં નહોતાં હલવો બાસુંદી.
પ્રિય સખી, તેં છોડી નથી તારી પરંપરા.
એનાં મૂળ મારા મનમાં ઊંડે ને ઊંડે પ્રસરતાં.
એ સાચું છે, સાચું છે, સાચું છે
સખી, આપવું જોઈએ ભાત પછી દહીં.
મેં પીરસી નથી બરાબર તારી થાળી.
તું મને કહેશે મારી શી ભૂલ છે?
તું બતાવીશ મારી ભૂલ?