મરાઠી આદિવાસી કવિતા ગુજરાતી અનુવાદ
વાહરુ સોનવણે
અનુવાદ: ડૉ. જી.કે.વણકર
શિકાર
એ જેમની પીઠ થપથપાવે છે
એમની કરોડ ગાયબ થઈ જાય છે...
ધૂમિલ
મહેરબાની કરી
મારી પીઠ
ના થપથપાવો
તમારા હાથે,
મારી કરોડ ગાયબ થઈ જશે.
તમે જેના માથે
દુઆનો હાથ મૂકો છો
એનું મસ્તક એક તરફ ઢળી જાય છે.
તમે જેમની સાથે ઉઠો બેસો છો
જલ્દી એમનો શ્વાસ રૂંધાઈ જાય છે
એ ખતમ થઈ જાય છે.
તમારી સાથે હાથ મિલાવું છું
તો કાંડેથી મારી હથેળી જ ગૂમ થઈ જાય છે.
તમારું ચૂપ રહેવું પણ
ભયંકર હોય છે.
તમારી નજરનો ભ્રમ
અમને ક્યાં થઈ કયાં વહાવી
તાણી જાય છે.
પણ હવે અમે જાગ્રત છીએ.
જે શહીદ થઈ ગયા છે
અમે એમની તસવીરો
અમારી ઓફિસમાં લગાવી છે.
ને એમની વરસી પર શપથ લઈએ છીએ
કે હવે આ તસવીરો અમે વધવા નહીં દઈએ.
તમારી જાળ ધીરે ધીરે નકામી થઈ રહી છે
ને યોજનાઓ જૂની,
તમને આજકાલ શિકાર નથી મળતો.
પરંતુ તમારી હવસ
બેકાબૂ છે
તમારી આદત જતી નથી.
જુઓ,
જુઓ,
તમે તમારા માથા પર જ
હાથ મૂકી રહ્યા છો..
સંભાળજો..
સંભાળજો...
અરે..
No comments:
Post a Comment