Monday, August 16, 2021

શેષ રાવ પીરાજી ધાંડે ની કવિતા

નવા વાસ માટે

પ્રિયે
મારા પૂર્વજોએ વાવ્યું હતું પ્રકાશનું વૃક્ષ
એનાં ફળ મને ચાખવા દીધાં નહિ કદી
તિજોરીમાં કેદ કરવામાં આવ્યાં પ્રકાશકિરણ
વર્ષમાં પાથર્યો અંધકાર
ને તારો બાપ નીકળ્યો મારી પેઢીઓ બરબાદ કરવા.
પણ એ એટલો તો ઊંચો નથી કે
મહાસૂર્યને બગલમાં સંતાડી શકે.
આવ, મારી નિકટ આવ,તું ને હું નવો સંસાર શરૂ કરીએ
જો મારા વાસ પર ઊગી રહ્યો છે
સૂર્ય.


તટસ્થ

પ્રિયે
તું મારી પાસે આવી
ને મારી સ્વપ્નભાષા બોલવા લાગી
વાસમાં હવે સૂર્ય પ્રવેશ્યો
હવે કોઈ ગાફેલ નથી રહ્યું.
બીજાઓની જિંદગી સાથે ખેલવું
શબ્દકોયડા જેટલું સહેલું નથી
ને નથી 
સપનાં વેચી દેવાં
એ મારો સ્વભાવ.


તફાવત

તું ડિગ્રીઓ લેતી રહી
લગ્નને હજુ વાર છે એટલે.
હું રોજીરોટીના સવાલનો હલ કરવા
અનુભવ માટે
જીવનનો સંદર્ભ જાણવા
મનુષ્ય હોવાના ધરાતલ પર
મનુષ્યના પ્રશ્ન હલ કરવાની જીદ પર મક્કમ રહ્યો
તું મારી ગરીબીની મજાક ઉડાવતી રહી
ને હું શોધતો રહ્યો ગરીબી દૂર કરવાના ઉપાય
તારી મારી વચ્ચેની તિરાડ
મોટી ને મોટી થઇ રહી છે..
અક્ષર સાથે સંબંધ જોડી દેતા અક્ષરસૂર્ય કાજે
જીવન સમરપી. દીધું
પરંતુ શું મળ્યું એનું ફળ?

સમાજસેવા

પ્રિયે,
રિટાયર થયા પછી સવાર સાંજ
કૂતરાને બહાર ફરવા લઇ જવો
એ છે તારા નવરા બાપનું કામ.
કૂતરાને ફરવા લઈ જવો 
એને જ એ માને છે એ સમાજસેવા.

તારો બાપ કહેતો હતો કે
'એક કૂતરાનું માસિક ખર્ચ છ હજાર રૂપિયા'.
મારા પગારનો હિસાબ કરું છું,
કૂતરાના ખર્ચથી ફક્ત બે હજાર રૂપિયા વધારે.
એમાં અમારૂં  ત્રણ જણનું ગાડું ગબડે છે.

તારા બાપની નોકરી ચાલુ હતી ત્યારે
પગાર ઉપરનું કમાઈ લેતો .
પાન ગલ્લાનાં પાનથી માંડી ને ખાવાપીવાનું સુદ્ધા
બહારથી જ ચાલતું બધું.

હવે કૂતરાને સવાર સાંજ ફરવા લઇ જવું
એ જ છે એની સમાજસેવા.


शेषराव_पिराजी_धांडे
જન્મ 1 જાન્યુઆરી,1970. વ્યવસાયે શિક્ષક.ચાર કવિતાસંગ્રહ .
विद्रोही,1994
रस्ता सोडून चालला कुठे..2009
आमचा आलेख कोराच..!
बिघडलेले होकायंत्र

काव्य संग्रह  : 'आमचा आलेख कोरा' से साभार

#મરાઠી દલિત કવિતા ગુજરાતી અનુવાદ
નરેન્દ્ર પાટીલ 
અનુવાદ: ડૉ. જી.કે.વણકર

ઉચ્છશ્વાસ

માત્ર ઉચ્છશ્વાસ.

સંજોગોએ 
મારા મનના 
બળબળતા વિચારો
પર કેસ ઠોકી દીધો છે

એમણે બળબળતાં મનને
કેદ કરી દીધાં છે.

સ્વપ્નોના બગીચાને
તાળાં મારી દીધાં છે. 

પણ આ પંખી
કેટલું રહેવાનું આ અંધારકોટડીમાં
જેની દીવાલો થરથરે છે
એના એક એક ઉચ્છશ્વાસે .

કોકટેલ

જૂથબંધીનું રાજકારણ જોઈ
હવે અમે બહુ થાકી ગયા છીએ.
અંતે મેં બધાં આંદોલનોને
ગ્લાસમાં નાખીને
ઘૂંટે ઘૂંટે ગળે ઉતારી દીધાં.
હવે એક જ ડર છે
ક્યાંક કોકટેલ ન થઈ જાય.

લડાઈ

રસ્તા હતા. આગળ ને આગળ વધનારા.
અમે ચાલતા રહ્યા રસ્તાઓ પર.
સાથીઓ બદલતા રહયા માર્ગ
પોતપોતાના.
કોઈ બાંધછોડ કર્યા વગર
રસ્તે ચાલવાનું ચાલુ જ રહ્યું.
ચાર રસ્તે પહોંચી  
અમે ચાલવા લાગ્યા ચાર રસ્તાઓ પર.
અમે કમજોર થતા ગયા.


કાર્યકર્તાની પત્ની

ઘેર પગ મૂકતાં જ 
જરૂરી ચીજો ઉધાર લાવીને
પત્ની કરે છે સ્વાગત. 
નાનાં બાળકો જુએ છે આશાથી.
ઘરમાં નથી વઘાર કરવા તેલ,
ચા માટે ખાંડ,
ને નથી સ્ટવમાં ઘાસલેટ.
એટલામાં આવી પહોંચે છે 
પાંચ સાત કાર્યકર્તા.
કરે છે મોરચા પર ચર્ચા.
કોઈએ પીધો છે દેસી તો કોઈએ મહુડાનો.
આખું ઘર ભરાઈ જાય છે એની ગંધથી.
કોઈ જઈને લઈ આવે છે કિલો ખાંડ.
ઘાસલેટ આવી ગયા બાદ પત્ની સ્ટવ સળગાવે છે.
ચા લાવે છે સરળ સહજ
એટલામાં પોતાના પક્ષની ચર્ચામાં ઉભરો આવી જાય છે .
એ ફક્ત ઉમેદ લગાવી જોઈ રહે છે વાટ
ઘરની ગરીબી દૂર થાય એની.
એને નથી કોઈ લેવાદેવા આંદોલન સાથે.
તોય તે એ લાગી રહે છે એમ જ 
આંદોલનમાં ફાળો સમજીને. 
કાર્યકર્તાની પત્ની ખરીને!

અસાવધ

ઉગનારો પ્રત્યેક દિવસ
લઈને આવે છે સમસ્યા.
પેટનો પ્રશ્ન ઉકેલું છું 
ત્યાં આવી ચડે છે 
જાતિવાદી હુમલો.
બાળે છે ઘર
મારે છે બૈરાં છોકરાંને.
હું સલામત છું
એની કોઈ ગેરંટી નથી.
તો પછી ઊંઘ કેમની આવી જાય છે
ખબર પડતી નથી.

Thursday, March 4, 2021

મારી ભીતરનો અંધકાર: વામન દાદા કર્ડક

 એકદમ ઉઘાડી
હું શોધું છું મારી ભીતરનો અંધકાર
મારી આંખો દુઃખે ત્યાં લગી.
કહે છે
જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ.
સર્જકતાનો દીવડો ના સળગે.
અંધકારમાં ડૂબેલા ગામે કોણ આવે?
કોઈએ ઢાંકી દીધાં છે સૂરજ
પૂર્ણ ચંદ્ર ને ચાંદની.
કોઈ ગળી ગયું છે આકાશ?
સુરીલો અવાજ છે મારો
જે રણઝણે છે મારા કાનમાં સતત.
દારૂગોળો થઈ
ઉડાવી દે ફુરચા અંધકારના.
તારી ભીતર છે
જળ, તેજ,વાયુ.
મુક્ત કરો એમને.
આકાશ પાસે જાઓ, વાદળ થઈ.
વરસાવો વરસાદ.
ધરતીની તરસ છીપાવો.
ચમકતા તારા થાઓ. ધરતીને આપો પ્રકાશ
પવન પર થાઓ સવાર.
અંધકારના લશ્કરને મારી ભગાડો.
શોધો આકાશ, ચંદ્ર, સૂરજ, તારા.
પ્રકાશ છે તમારી ભીતર.
પ્રકાશ છે તમારી ભીતર.
થાઓ આવતી કાલના  સૂરજ.

રોશની અને અંધકારની વચ્ચે:-નામદેવ ઢસાળ


રોશની અને અંધકારની વચ્ચે
પ્રેમ અને દુઃખની વચ્ચે
પીડા પછી
જગા આપી કવિતાને.
એમ કરતાં મેં વાવી દીધો
મને  પોતાને જ ખેતરમાં.
ને શેઢે ઉભો રહી
હું રાહ જોતો રહ્યો
મારા ઉગવાની.

धन्यवाद: कैलाश वानखेड़े, असंगघोष,

હું રમવાનો છું રમત:અરુણ કાળે


હું રમવાનો છું રમત

હું રમવાનો છું રમત
નિરોગી સ્પર્ધા
હું આંખો બંધ કરીને રમતો નથી.
રમતમાં હું ચોર બનવાનો નથી.
સંતાકૂકડી મારે રમવી નથી.
લંગડી રમવી મને ગમતી નથી
રમત હું રમી શકતો નથી,
એ આટા પાટા.
કારણ વગર ખો આપવી નથી.
વિઘ્નસંતોષીની રમત રમવી નથી.
મારા નસીબમાં નથી
દેવ, કઠપૂતળી, અંધકારની રમત.
ટૂકડાની, ટૂકડા માટે, ટૂકડા દ્વારા
રમવામાં આવતી રમત હું મૂળે રમવાનો નથી.
હું રમવાનો છું રમત
નિરોગી સ્પર્ધા.

થયા મહાર પંઢરીનાથ: અરુણ કાળે


1
થયો મહાર પંઢરીનાથ

થયો મહાર પંઢરીનાથ
ઊંચી વસતીમાં રહી
ભૂલ્યો કાળો ભૂતકાળ..થયો

બેસે સાર્વજનિક પૂજામાં
ઝીલતો પૂજારીની લાળ..થયો

કરતો નિજ જાતિનો દ્વેષ
દેતો ગાળ સાંજ સવાર...થયો

માતપિતાથી રહે દૂર
કાપી સંબંધની નાળ....થયો

વસતી , ભૂલ્યો શાળા
જાણે ટાઈ પહેરી જન્મ્યો બાળ...થયો

લગ્ન, મરણ મહીં જાતિનો જ આશ્રય
અન્ય વેળા જાતિ ગંદી ગાળ....થયો

જતો નથી હું એની પાસ
થયો મહાર  પંઢરીનાથ...થયો

2.
હું રમવાનો છું રમત

હું રમવાનો છું રમત
નિરોગી સ્પર્ધા
હું આંખો બંધ કરીને રમતો નથી.
રમતમાં હું ચોર બનવાનો નથી.
સંતાકૂકડી મારે રમવી નથી.
લંગડી રમવી મને ગમતી નથી
રમત હું રમી શકતો નથી,
એ આટા પાટા.
કારણ વગર ખો આપવી નથી.
વિઘ્નસંતોષીની રમત રમવી નથી.
મારા નસીબમાં નથી
દેવ, કઠપૂતળી, અંધકારની રમત.
ટૂકડાની, ટૂકડા માટે, ટૂકડા દ્વારા
રમવામાં આવતી રમત હું મૂળે રમવાનો નથી.
હું રમવાનો છું રમત
નિરોગી સ્પર્ધા.

બુદ્ધ: દયા પવાર


મેં તમને જોયા નથી કદી
જેતવનમાં
આંખો મીંચી ધ્યાનમગ્ન
પદ્માસને
કે અજન્તા ઇલોરાની ગુફાઓમાં
પથરીલા સિવાયેલા હોઠ
કે અંતિમ નિદ્રામાં
આડા પડેલા.
મેં તો જોયા છે તમને
હરતાફરતા બોલતા
શ્વસતા મૃદુ
હરતા દુઃખ દીનદુખિયાંનાં
જીવન નષ્ટ કરતા અંધકારે
એક ઝૂંપડીથી બીજી ઝૂંપડી જતા
લઈ મશાલ હાથમાં
લોહી ચૂસી લેતા કુષ્ટરોગ 
દુઃખને આપતા 
નવો અર્થ.

સિંદૂરલીંપી મૂર્તિઓ

તમારું જે કંઈ હતું
નષ્ટ થઈ ચૂક્યું છે
દેવમંદિરની મૂર્તિઓ પણ
જેમણે લખ્યા હતા લેખ લલાટે
ફેંકી દીધા છે વહેળાના પાણીમાં.
દસ મસ્તક દસ દિશાઓમાં
બોહદ સમયે ઉત્સવમાં થાય છે એમ
તેત્રીસ કરોડ દેવતાઓ કેમ પાછા
થાય છે સજીવન
પાછળની ગલીમાં નાચતા એમનો નાચ?
ધોળા દહાડે મશાલો જલાવી
અષ્ટ ભુજાઓમાં ધારણ કરેલા શસ્ત્રો ઉગામતા
લોહિયાળ જીભ લપલપાવતા
એ વગાડે છે પરંપરાનાં નગારાં.

તું કહે છે ભાગી જઈએ
આ ભૂતાવળ ભરેલા શહેરમાંથી.
પણ ભાગી ભાગીને કેટલે જઈશું?
જ્યાં પણ જઈશું 
આપણા પગને ઠોકર વાગશે
સિંદૂર લીંપ્યાં દેવીદેવતાની.

સખી: હીરા બનસોડ

સખી, આજે તું આવી પહેલી વાર મારે ઘેર જમવા.
તું આવી, તું આવી ભૂલીને તારી જાતિ.
સ્ત્રીઓ સામાન્ય રીતે ભૂલતી નથી અસમાનતાની પરંપરા.
પણ તું આવી મારા ગજવા જેટલા નાના ઘરમાં
આકાશ જેવડું વિશાળ મન લઈ.
મને હતું કે તેં કાપી નાખી છે જાતિ ની સઘળી બાબતો
ને ઓળંગી દીધી છે આપણને અલગ કરતી ખાઈ.
સાચે જ સખી, હું ખૂબ જ હતી ખુશ.

શબરીની જેમ મેં તારી થાળી સજાવી હતી.
તેં થાળી જોઈ ને તારો ચહેરો બદલાઈ ગયો.
અરે, ચટણી કોથમીર આમ પીરસાય?
હજી આવડ્યું નહિ તમને પીરસતાં.
સાચે જ તમે લોકો નહીં સુધરવાનાં.
હું શરમાઈ, ખરેખર શરમાઈ.
મારો હાથ જે આકાશે અડતો હતો, હેઠો પડ્યો.
હું ચૂપ રહી.

જમવાનું પુરૂં થયું ને તેં પૂછ્યું,
આ શું? છેલ્લી ભાત પછી તમે છાશ કે દહીં નથી આપતાં?
અમારે તો એના વિના ચાલે જ નહીં.
મારી હિંમત ઓસરી ગઈ, ખરી પડતા તારાની જેમ.
હું ઉદાસ.સૂનમૂન.
પરંતુ બીજી  જ પળે જીવંત થઈ ઉઠી.
પાણીમાં પથ્થર નાખીએ તો તળિયાની ચીજો ખળભળી ઉઠે છે
એમ મારી સ્મૃતિઓ મારા મનમાં.

સખી, તું માંગે છે છાશ ને દહીં.
તને શું કહું?
બાળપણમાં દહીં કે છાશ તો શું
ચા બનાવવા દૂધ પણ દોહ્યલું હતું.
મા લાટીમાંથી લાવેલ ભૂસું સળગાવી
 ધૂમાડે આંખો ચોળતી.
ક્યારેક જ અમને મળતી લસણની ચટણી
નહીં તો અમે પાણીમાં જ બોળીને ખાતાં લૂખો રોટલો.
પ્રિય સખી, શ્રીખંડ તો અમારા શબ્દકોશમાં પણ નહોતો.
મારા નાકે કદી આવી નહોતી ઘીની સોડમ.
મારી જીભે કદી ચાખ્યાં નહોતાં હલવો બાસુંદી.
પ્રિય સખી, તેં છોડી નથી તારી પરંપરા.
એનાં મૂળ મારા મનમાં ઊંડે ને ઊંડે પ્રસરતાં.
એ સાચું છે, સાચું છે, સાચું છે
સખી, આપવું જોઈએ ભાત પછી દહીં.
મેં પીરસી નથી બરાબર તારી થાળી.

તું મને કહેશે મારી શી ભૂલ છે?
તું બતાવીશ મારી ભૂલ?

દરગાહના રસ્તે: નામદેવ ઢસાળ

ટપકતો સૂરજ
ડૂબી ગયો 
રાત્રિના આશ્લેષમાં.
જ્યારે હું જન્મ્યો ફૂટપાથ પર
તરત જ અનાથ.
મને જનમ દેનારી સ્ત્રી
ગઈ આકાશમાંના એના બાપ પાસે
એ વેઠી શકતી નહોતી 
ફૂટપાથ પર લોહી ચૂસતાં વટવાગળાં
ને એને ધોઈ નાખવા હતા 
એની સાડી પર પડેલા 
અંધકારના ડાઘા.
ને ફયુઝ ઉડી ગયેલો 
હું મોટો થતો ગયો
રસ્તા પરના ગૂથી
બોલતાં બોલતાં
'પાંચ પૈસા દે દો
પાંચ ધૂંસા લે લો'
દરગાહના રસ્તે.

ઘર: રામ દોતોંડે


ઘર
તેત્રીસ કરોડ બારીઓ
સાથે કેટલાય ઝરૂખા
મને નાગો કરનારા પડદા
મારી આતરડીની ઝાલર.

દોસ્તો,
મારે નહોતી જોઈતી
આ બારીઓ
આ ઝરૂખા
મારે જોઈતો હતો એક એવો દરવાજો
જેમાંથી હું બહાર આવી જઈ શકું
એટલે મેં કાલે જ બદલ્યું
મારું ઘર.

પણ  મારા આ ઘરમાં પણ છે 
તેત્રીસ કરોડ બારીઓ
વળી વધારે બારીઓ
થોડા ઝરૂખા
ને થોડા નાના મોટા ઝરૂખા
મને નાગા કરતા પડદા
આંતરડીની ઝાલર
ને પુસ્તકિયા આદેશ મુજબ કૂદનારાં
તીડ.

દરવાજો છોડી દઈ
મેં ઘર બદલ્યું છે , દોસ્તો.

શિકાર: વાહરુ સોનવણે

મરાઠી આદિવાસી કવિતા ગુજરાતી અનુવાદ
વાહરુ સોનવણે
અનુવાદ: ડૉ. જી.કે.વણકર

શિકાર

એ જેમની પીઠ થપથપાવે છે
એમની કરોડ ગાયબ થઈ જાય છે...
ધૂમિલ

મહેરબાની કરી
મારી પીઠ 
ના થપથપાવો
તમારા હાથે,
મારી કરોડ ગાયબ થઈ જશે.

તમે જેના માથે 
દુઆનો હાથ મૂકો છો
એનું મસ્તક એક તરફ ઢળી જાય છે.

તમે જેમની સાથે ઉઠો બેસો છો
જલ્દી એમનો શ્વાસ રૂંધાઈ જાય છે
એ ખતમ થઈ જાય છે.

તમારી સાથે હાથ મિલાવું છું
તો કાંડેથી મારી હથેળી જ ગૂમ થઈ જાય છે.

તમારું ચૂપ રહેવું પણ 
ભયંકર હોય છે.
તમારી નજરનો ભ્રમ 
અમને ક્યાં થઈ કયાં વહાવી 
તાણી જાય છે.

પણ હવે અમે જાગ્રત છીએ.

જે શહીદ થઈ ગયા છે
અમે એમની તસવીરો 
અમારી ઓફિસમાં લગાવી છે.
ને એમની વરસી પર શપથ લઈએ છીએ
કે હવે આ તસવીરો અમે વધવા નહીં દઈએ.

તમારી જાળ ધીરે ધીરે નકામી થઈ રહી છે
ને યોજનાઓ જૂની,
તમને આજકાલ શિકાર નથી મળતો.

પરંતુ તમારી હવસ
બેકાબૂ છે
તમારી આદત જતી નથી.

જુઓ,
જુઓ,
તમે તમારા માથા પર જ 
હાથ મૂકી રહ્યા છો..
સંભાળજો..
સંભાળજો...
અરે..