Thursday, January 15, 2015

સભા:દયા પવાર














પીંપળાના ઓટલે
મીણબત્તીનું આછું અજવાળું
અધ્યક્ષની ચૂંટણી શરૂ થઇ.
એક જ રક્તના ઉભાઆડા વાડા.
જંગલી પાડા જેવા રાતભર
આપી રહ્યા હતા વિચારોને ટક્કર.
ગવત્યાની મા પૂળો આપતાં બોલી-
“ઓ ગવત્યાના બાપ,
મારો વખત થઇ ગયો ,
હવે સભા જાય ચૂલમાં.”
“ગદ્ધી, તારી સુવાવડ થઇ જવા દે,
મારું અધ્યક્ષપદ જતું રહેશે તો
કાલે હું વોર્ડમાં જખ  મારીશ?”

ફટાફટ ડોસો ગયો.
વાદળ ગરજે એમ સભામાં ગર્જ્યો:
“ચ્યમ લ્યા, આજકાલનાં છોકરાં!
આખી જિંદગી કાઢી  છે મેં રાજકારણમાં.
બહુ ફાટ્યા છો ને કંઈ!”
એ બૂમ પાડનારા!      આ શું છે બધું?
જિલ્લાવાળા સાથ આપીને ઊભા થઇ ગયા.
એકાએક શોરબકોર મચી  ગયો.
એક આ પા તાણે તો બીજો પેલી પા.
અધ્યક્ષપદના ચોખા માટે
ભેગી થઇ ગઈ આખી ભૂતાવળ.
પીંપળાનો  ઓટલો હારી ગયો.
મીણબત્તીનું અજવાળું હોલવાઈ ગયું.
બધે બસ અંધકાર.

પરોઢિયે ગવત્યાની માને ડીલીવરી થઇ .
ઉં.. ઉં.. ઉં.. ઉં..ના અવાજ વચ્ચે
એક વારની સભા ધીરેધીરે વિખરાઈ.

ગુલામીની ડંખપીડા: હિરા બનસોડે




કેવો મળ્યો જન્મારો?
સદા ઉનાળો જ ઉનાળો.
કાળજામાં કાયમ
ગુલામીની ડંખપીડા.

કેવો મળ્યો જન્મારો?
કંઠે શોષ-તરસ
થયું જળ મૃગજળ.
સળગી જતું જીવન.

કેવો મળ્યો જન્મારો?
ફૂલ, ખીલેલાં મુરઝાતાં ,
વાવ્યા છે જાતિના  કંટક
ભગ્ન આશાના મિનારા.

કેવો મળ્યો જન્મારો?
બોલે માનવ જાતિ જાતિ
જાતિ જાતિ વચ્ચે દિવાલ.
માટી કેરી છાતી ફાટી જાય.

કેવો મળ્યો જન્મારો?
શાને મારે સહેવાનું?
મા-ભીમાના પેટે
જનમ લઈશ સૂર્યનો.



જે જીવન અમે જીવીએ છીએ: અરૂણ કાંબળે














જો તમારે જીવવાનું હોય જીવન જે અમે  જીવીએ છીએ
તો તમારી ભીતર કવિતા ઉગે.
અમે: રોટલાના ટુકડા માટે  લાત ખાઈએ , એની પર થૂંકો છો
તમે : લાવો છો સંતોષ ને ભગવાનનું નામ
અમે: અમારાં વારસાને ગટરમાં નાખી ઉતારી પાડીએ
તમે: એના એકમાત્ર . ઋષિનાં સંતાનો
અમે: ગાંડ ખંજવાળવા પૈસોય નથી અમારી પાસે.
તમે:તમારી બેન્કમાં સુવર્ણ કપ
તમારાં દેહને ચંદન ચેહ
અમારા દેહ  રેત નીચે દટાતા.
દુનિયા ન બદલાઈ જાય જલ્દી
જો તમને ફરજ પડે અંતે જીવવાની આ જીવન
જે અમે જીવ્યા છીએ હરદમ.

શબ્દપ્રબંધ: જ્યોતિ લાંજેવાર

રદ્દી વેચવા નીકળેલા આપણાં રદ્દી જેવાં જીવન લઈને
કેટલાક પોપટ મારી કને આવી ગયાં.
પોપટપાઠ  કર્યો: “અમારું જીવન,
તમારે કાજે.”

હું જાણું છું શબ્દોનું મૂલ્ય.
એમણે શબ્દોના  ભાવતાલ  કર્યા.
“શબ્દ વેચવા માટે નથી” – બોલ્યા પછી તરત
જેમણે શબ્દ વેચી દીધા છે એમનો શબ્દપ્રબંધ પ્રસ્તુત કર્યો.



એક દિવસ મેં માદરચોદ ભગવાનને ગાળ ભાંડી:કેશવ મેશ્રામ




એક દિવસ મેં માદર-દ ભગવાનને ગાળ  ભાંડી.
એ બસ બેશરમ હસવા લાગ્યો.
મારો પડોશી સરસ્વતિપુત્ર બ્રાહ્મણને આઘાત લાગ્યો.
‘તું આવી આવી વાતો અવર્ણનીય
નિર્ગુણ,નિરાકાર માટે કેવીરીતે કહી શકે?
શબ્દના ગાળીયામાં એના ધર્મને ફસાવવાની કોશિશ કરવા માટે
જરા લાજ !’

મેં બીજી એક સણસણતી ચોપડાવી.
યુનિવર્સીટીનું મકાન કંપી ઊઠ્યું
ને કમર લગી ખૂંપી ગયું જમીનમાં
બધા વિદ્વાનો એકદમ કરવા માંડ્યા સંશોધન
કે  લોકોને ગુસ્સો કેમ આવે છે?
અગરબત્તીથી સુગંધિત   એમના વિશાળ ઓરડાઓમાં
એ બેસે છે ભરપેટ ખાઈને
ને ચર્ચા કરે છે.

મારા જનમદિવસે મેં ભગવાનને ગાળ ભાંડી.
મેં એને ગાળ ભાંડી, ફરી ભાંડી.
એને  શબ્દચાબખા મારતાં મેં કહ્યું,
‘રોટલાના એક બટકા માટે
તું ગાલ્લું ભરીને લાકડાં ફાડીશ?
તારી માના સાલ્લાના ચિંથરાથી
તારા સુકલકડી દેહ પરનો  પસીનો લૂછીશ?
બાપના દારૂ માટે ભાઈબહેનને થકવી નાખીશ?
એને પોટલી  પીવડાવવા
ભડવાગીરી  કરીશ?

‘ઓ બાપ, હે ભગવાન, હે બાપ,
તું આ કશું કરી ન શકત .
તારે પહેલાં તો મા જોઈતે
જેને કોઈ માન ના આપતું હોય
જે ગંદવાડામાં વૈતરું કરતી હોય
જે આપે છે માત્ર પ્રેમ ને પ્રેમ.’
એક દિવસ મેં પેલા માદર-દ ભગવાનને
ગાળ  ભાંડી.

બંને નકામાં:મીના ગજભિયે

તમે શું કરશો
ભૂખ જેમનું દુઃખ  છે
એમના માટે.
બે આંસુ સારશો?
રોટલાનું ચોથિયું આપશો?
તમે એમને  માટે શું કરશો
જે જીવતાં પણ નથી ને જે મરતાં પણ નથી.
જિંદગી વિશે સરસ કવિતા લખશો?
કે મૃત્ય વિશે ?
તમે જે કંઈ કરો
બંને નકામાં છે.

ખોવાઈ ગયેલો સૂર્ય:હિરા બનસોડે

કઈ દિશામાં શાશ્વત પ્રકાશ માગવો જોઈએ
જેનો સૂર્ય ખોવાઈ ગયો છે એણે?
મરણ હાથમાં લઈને ચાલનારાં આપણને
વિષના પ્યાલાનો શો ડર?
જેણે ભવિષ્યનો જ અર્ઘ્ય છોડી દીધો છે
એ મૃત બરબાદ સંસ્કૃતિ પર
એને વર્તમાને કેમ મુજરો કરવો જોઈએ?
જે નિષ્પાપ હૃદયમાં
જખમનાં છિદ્રો પડ્યાં છે
એમને ચંદનલેપથી શો ફાયદો?
જીવને લાગેલો ભયાનક દવ
કયા મહાસાગરમાં બુઝાવવો જોઈએ
જ્યારે સઘળા સમુદ્રો પી ગયા છે અગત્સ્ય?
ક્રાંતિની વીજળી ચેતી  ચૂકી છે
પ્રત્યેક ઘાયલ હૃદયમાં .
આ લડાઈ અટળ છે.. અટળ છે...
નસનસમાં વિદ્રોહ ધસમસતો દોડે છે.
ભલે જય થાય કે ન થાય
આ યુદ્ધ  શું કામ અટકવું જોઈએ ?

જન્મ: બી.રંગરાવ

મારા જનમની ખબર
પ્રસરી  કાનોકાન.
મા-દિકરીઓ, ડોસાડગરાં
સહુ થયાં ભેળાં.

કોઈ  મૂકે ચૂલે
પાણીનું તપેલું,
નાળ આપવા કોઈ
કાઢે દાતરડે ધાર.

કોઈ હસીને બોલેલું:
કેવું મીઠડું છે આ બાળ!
સખી અલી તારું છોરું
તારા જ જેવું શ્યામ.

બંધ પાંપણ પાછળ
આંસુની સરવાણી.
વેદનાના ગર્ભમાંથી
હરખનાં આંસુ.   

પેટે પાકી સવા શેર માટી
ખીલી ઉઠી આકાંક્ષાઓ અનેક.
કાળી કાળી માટીમાંથી
જાણે ઉગી નીકળી વૃક્ષવેલિ.

થઇ ના શક્યો  કદી હું
એની આશાનો આધાર.
અજવાળું થયું નહીં
એની આસપાસના અંધકારે.

પૂંઠ  વાળીને જોઉં તો
યાદ આવે ચિત્ર તમામ.
લાગે જિંદગી મારી જાણે,
માટી ભેગી  મળી ગઈ માટી.

Wednesday, January 14, 2015

હું તૈયાર છું વિદ્રોહ માટે : યશવંત મનોહર















વિદ્રોહની લાગણીથી હું ધગધગી રહ્યો છું ને તમને આહ્વાન કરું છું.
હું તમારી તલવાર પર લખીશ વિદ્રોહની કવિતા.
આજે હું થઈ ગયો છું ઝંઝાવાત ,આવો મારી સાથે.
હું આવ્યો છું તમારી કને, લાવો તમારો હાથ.
હું થઇ ગયો છું આગ, આજે હું ભડભડ બળતો-
વાચા આપો તમારી ભીતરના જ્વાળામુખીને.
મને હોશ નથી, ના કાબૂ,
શબ્દોનું બનાવી નિસીમ આકાશ.
હું કૂદી પડીશ યુદ્ધમાં
જો જીતું તો બોલજો જિંદાબાદ
જો તૂટું તો દાટજો બહુ ઉંડે.
જો આવું તમારે દ્વાર મૂંઝાયેલો , કોશિશ કરજો સમજવાની.
જો પાછો આવું, લોહીલુહાણ, મને છાતીએ ચાંપજો .
જો ત્યાં મરું, મારા દેહને સ્હાજો તમારા બાહુઓમાં .
કોઈ મને આપો ધરપત કે હું તમારો ને તમે મારાં છો,
સારજો આંસુ એક બે, રાખજો યાદ કાયમ!


પેન્થર એકલવ્ય: ત્ર્યંબક સપકાળે


વિદાય સમારંભ વખતે
દ્રોણ સરે જાહેર કર્યું,
વિદ્યાર્થીમિત્રો,
મારી સ્મૃતિ રહે
તે માટે માગી લો
જે માગવું હોય તે.

કોઈએ માગી કલમ.
કોઈએ કાંડા ઘડિયાળ
એક જાણે પોતાની ચોપડી પર લીધા
એમના ઓટોગ્રાફ.
ઝટ ઊભા થઈને
પેન્થર એકલવ્યે
માગી લીધો
દ્રોણ સરના જમણા હાથનો અંગુઠો!
અંગુઠો આપતાં આપતાં
કહેવા લાગ્યા દ્રોણ સર
જો તેં માગ્યું હોત આ માથું
તો એય આપી દેત તને!
પેન્થર એકલવ્યે કહ્યું-
જમણા હાથ જેટલો જ ડાબો હાથ પણ જરૂરી છે
એ યાદ રહે.
આ દેશનું વિચારક નેતૃત્વ
હવે માગે છે
તમારા હાથનો અંગુઠો
જમણા હાથનો અંગુઠો!

Saturday, January 10, 2015

સ્વાગત: ત્ર્યંબક સપકાળે























વર્ણ વ્યવસ્થાનું સ્વાગત છે
ધર્માંધતાનું સ્વાગત છે
જાતિવાદનું સ્વાગત છે.
અસમાનતાનું સ્વાગત છે.
રંગભેદનું સ્વાગત છે,

હે પશુપંખીઓ,
શું કામ  અને  શી  રીતે કરીએ અમે તમારું સ્વાગત ?
કેમકે
તમારાં તો તળાવ અલગ અલગ નથી!

કવિ ત્ર્યંબક સપકાળે(‘सुरंग કવિતાસંગ્રહમાંથી)
હિન્દી અનુવાદ: સંદીપ સપકાળે 




स्वागत

वर्ण व्यवस्था का स्वागत है !
धर्मान्धता का स्वागत है !
जातिवाद का स्वागत है !
विषमता का स्वागत है !
रंगभेद का स्वागत है !
हे पशु -पक्षियों बताओं
कैसे और क्यों करें हम स्वागत तुम्हारा ?
क्योंकि
तुम्हारा तालाब अलग अलग नहीं है ।

हिंदी अनुवाद - संदीप