Thursday, January 15, 2015

સભા:દયા પવાર














પીંપળાના ઓટલે
મીણબત્તીનું આછું અજવાળું
અધ્યક્ષની ચૂંટણી શરૂ થઇ.
એક જ રક્તના ઉભાઆડા વાડા.
જંગલી પાડા જેવા રાતભર
આપી રહ્યા હતા વિચારોને ટક્કર.
ગવત્યાની મા પૂળો આપતાં બોલી-
“ઓ ગવત્યાના બાપ,
મારો વખત થઇ ગયો ,
હવે સભા જાય ચૂલમાં.”
“ગદ્ધી, તારી સુવાવડ થઇ જવા દે,
મારું અધ્યક્ષપદ જતું રહેશે તો
કાલે હું વોર્ડમાં જખ  મારીશ?”

ફટાફટ ડોસો ગયો.
વાદળ ગરજે એમ સભામાં ગર્જ્યો:
“ચ્યમ લ્યા, આજકાલનાં છોકરાં!
આખી જિંદગી કાઢી  છે મેં રાજકારણમાં.
બહુ ફાટ્યા છો ને કંઈ!”
એ બૂમ પાડનારા!      આ શું છે બધું?
જિલ્લાવાળા સાથ આપીને ઊભા થઇ ગયા.
એકાએક શોરબકોર મચી  ગયો.
એક આ પા તાણે તો બીજો પેલી પા.
અધ્યક્ષપદના ચોખા માટે
ભેગી થઇ ગઈ આખી ભૂતાવળ.
પીંપળાનો  ઓટલો હારી ગયો.
મીણબત્તીનું અજવાળું હોલવાઈ ગયું.
બધે બસ અંધકાર.

પરોઢિયે ગવત્યાની માને ડીલીવરી થઇ .
ઉં.. ઉં.. ઉં.. ઉં..ના અવાજ વચ્ચે
એક વારની સભા ધીરેધીરે વિખરાઈ.

No comments:

Post a Comment