Friday, May 31, 2013

એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે : નીલકાન્તચવાણ



આ દેશની દીવાલ પર 
લાઈનસર ખીલા ઠોકી દીધા છે
ક્યાંક હિમાલય, ક્યાંક સહ્યાદ્રી
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે.

મરેલી ગાયને ચીર્યા પછી
જેમ ગીધ તૂટી પડે છે
દૂંદાળા પેટવાળા ને બહારથી ને ખાડો પડેલા પેટવાળા અંદરથી
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે.

ભીકા પાણી વગર મરી ગયો
ત્યારે જરા સરખોય ગમ ન થયો ,
અંધારેઅંધારે જ દાટી દીધો
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે.

સવારે એના બે શબ્દ
પછી આખો દિવસ પેટ ભરીને પાપ
ફરી રાતે એના બે શબ્દ
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે.

સ્વાર્થમાં પોતાને વેચી દેનાર
એવાય જોયા,
મોટાં માથાંને ‘હા,જી’,’હા,જી’ કરનારા
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે.

અનેક લોકો આ માટી કાજે લડ્યા,
ગરીબો કાજે જીવ બાળતાં
કેટલાયે   જાન કુરબાન કર્યા
એવાં ઘણાં ચિત્રો ટાંગી દીધાં છે. 


અનુવાદસહાય : 
ડૉ..મોહિત શરદ શોલાપુરકર  
 ડૉ.રચના પ્રદીપકુમાર પોળ

No comments:

Post a Comment