Thursday, May 9, 2013

દેવરામ સીતારામ બનસોડ: મંગેશ બનસોડ




મારા બાપની જિંદગીની એકે એક ક્ષણ એવી હતી
જેમકે મારો બાપ એક ચકલો
ચાંચમાં દાણો
એક પછી એક જ   ચણતો જ રહે..
મેટ્રિક માંડ  હતો મારો બાપ
ફી માટે ભિખારીની  જેમ લંબાવ્યા બંને હાથ,
વર્ગના દોસ્તોએ ત્રણ રૂપિયા પચાસ પૈસા ભેગા કર્યા.
ચાર રૂપિયા માટે કેબીનમાં માસ્તરના પગ પકડ્યા.
ત્યારે સરવાળે સાડા સાત રૂપિયા થયા
મેટ્રિકની પરીક્ષા ફી માટે.
રિઝલ્ટને દિવસે મારા બાપે
દાદાનું  ખરબચડું  ધોતિયું પહેર્યું,
બોલ્યો અમરાવતી
ફર્સ્ટ ક્લાસ પાસ થયો.
નાપાસ થયેલા દોસ્તે એની મેડી પર કરી
બપોરના ખાવાની વ્યવસ્થા.
મારો બાપ ભણ્યો
પૃથ્વી ગોળ છે
બે રાત વચ્ચે  દિવસ હોય છે કે બે દિવસ વચ્ચે રાત
એ કોયડો જિંદગીભર ઉકેલી ન શક્યો મારો બાપ.

મારો બાપ થયો માસ્તર.
આદર્શો, નૈતિક મૂલ્યો આચરણમાં મૂકનાર
એક આદર્શ માણસ ,
સાચુકલો માણસ.
બાપા,આટલો  બધો  પરસેવો  શું પાડો છો ?
છોકરાં,,મારા નસીબમાં નહોતું એ તમારાં નસીબમાં છે, એ થવા દો.
બાપાનો એકેએક શબ્દ હૃદય વીંધી નાખતો હતો.
જ્યારે બાપ કહેતો પોતાનો ઇતિહાસ
આંખોમાં ભરાઈ આવતું લોહી
ને અંગાર ઓકતી આંખો
થઇ જતી લાલઘૂમ.
કહાણી કહેતાં કહેતાં મારો બાપ
આંખ લૂછતો રૂમાલથી.
હું પણ થઇ જતો ઠંડોગાર,
હિમાલયના બરફ જેવો.
બાપાના બે બાહુઓની ઉષ્મા
મને પીગળાવતી હતી.
હું પણ પૂરેપૂરો પીગળી જતો
હૃદયથી
ને ત્યારે હું મારા બાપના સૂતો હતો.
હવે બાપ નિર્વાણાધીન છે
શાંત,સ્વસ્થ
ને બાપને સ્મરતો  હું
વધારે અસ્વસ્થ.

અનુવાદસહાય
ડૉ.રચના પ્રદીપકુમાર પોળ  

No comments:

Post a Comment